Sarvajanik Education Society

Teachers Day - 2026


Teachers Day - 2026


સાર્વજનિક એજયુકેશન સોસાયટીની સંસ્થાઓ માટેનો શિક્ષક દિન ઉજવણી સમારોહ

          સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા- કોલેજોના ઉત્તમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે શિક્ષક દિન નિમિત્તે એવોર્ડ અર્પણનો કાર્યક્રમ  શનિવાર, તા.પમી સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૦૦ કલાકે શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા તારામોતી હોલ, સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં સાર્વજનિક એજયુકેશન સોસાયટીના ઉપપ્રમુખ શ્રી દિનકરરાય સી. નાયકના પ્રમુખસ્થાને તથા ડો.દક્ષેશભાઈ ઠાકર, પ્રોવોસ્ટ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી, સુરતના મુખ્ય મહેમાનપદે યોજવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રીઓ, મેનેજીંગ કમિટીના સભ્યો, તમામ સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, સોસાયટી કચેરીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહયા હતાં.

          આ સમારંભમાં સોસાયટીની વી. ટી. ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજયુકેશનના પૂર્વ આચાર્ય ડો.વિનોદભાઈ ગુમાનભાઈ પટેલને ''સાંદીપનિઋષિ આજીવન શિક્ષક'' અવોર્ડ, સન્માનપત્ર અને ખેસ અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોસાયટીની સંસ્થાઓના શૈક્ષણિક કર્મચારીઓને ''શ્રી ચૂનીલાલ ઘેલાભાઈ શાહ સાર્વજનિક શિક્ષણ રત્ન'' તથા ''ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાર્વજનિક શિક્ષણ રત્ન'' અવોર્ડ અને વિદ્યાર્થીઓને '' સાર્વજનિક વિદ્યાસાધક'' તથા રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ ''સ્પેશિયલ સ્પોર્ટસ કેટેગરી'' અવોર્ડ એનાયત કરવામાં આવ્યા. ઉપરાંત ઈતર પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદાન બદલ તેઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. સમારંભની શરૂઆતમાં સોસાયટીના અધ્યક્ષશ્રી આશિષભાઈ વકીલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ડો.વિનોદભાઈ જી. પટેલનો વિસ્તૃત પરિચય આપ્યો હતો.  તેમણે તેમની વિશિષ્ટ શૈલીમાં શિક્ષકદિનનું મહત્વ સમજાવ્યું હતું તથા અવોર્ડ મેળવનાર તમામને પોતાની શુભેચ્છા આપી હતી. દ્વિતીય ઉપાધ્યક્ષશ્રી અજિતભાઈ શાહે મુખ્ય મહેમાન ડો.દક્ષેશભાઈ ઠાકરનો પરિચય આપ્યો હતો.

ડો.વિનોદભાઈએ પોતાનો પ્રતિભાવ વ્યકત કરતાં જણાવ્યું હતું કે આજે આ મંચ ઉપર એવોર્ડ લેવા માટે ઉપસ્થિત થતાં મારા કોલેજના શિક્ષણ કાર્યથી શરૂ કરી આચાર્ય તરીકે સેવા નિવૃત્ત થવા સુધીની સફરના મધુર સંસ્મરણો તાજાં થયાં છે અને આ પળ મારા જીવનનું અમૂલ્ય સંભારણું બની રહેશે.

મુખ્ય મહેમાન ડો.દક્ષેશભાઈએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે દરેક વ્યકિતનો હોદ્દો મહત્વનો નથી પરંતુ તેનું વ્યકિતત્વ મહત્વનું છે. ઉત્તમ શિક્ષકો ઘણા વિદ્યાર્થીઓ માટે જાણે અજાણ્યે તેમનો શિક્ષક, શાળા કે કોલેજનો રોલ મોડેલ બની જાય છે તેથી આપણે આપણું વ્યકિતત્વ એવું વિકસાવવું જોઈએ કે જેનું વિદ્યાર્થીઓ અનુકરણ કરી શકે. તેમણે અવોર્ડ વિજેતા તમામને ગૌરવપૂર્ણ શુભેચ્છા પાઠવી હતી.

સોસાયટીના દ્વિતીય ઉપાધ્યક્ષશ્રી ડો. કિશોરભાઈ દેસાઈએ હાજર રહેલા તમામ મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો.

સમગ્ર સમારોહનું સુંદર સંચાલન શ્રીમતી ડો.ફાલ્ગુનીબેન પટેલ અને શ્રીમતી વૈશાલીબેન પટેલેએ કર્યું હતું.

Click Here for Photo